એક અંધ ફિલ્મ રિવ્યુઅરનો રિવ્ય

  • February 21, 2024 11:12 AM 

છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો. ખૂબ જ ત્રાસી ગયો હતો એવાં એવાં અજીબ અજીબ વિચારો આવતાં હતાં. અને ક્યારેક હું એમ ત્રાસી જતો કે મને કોઇ વિચાર જ ન આવતાં. એક વખત તો મારી જમવાની થાળીમાં દાળભાત જોઇને મે મમ્મીને કહ્યું કે મમ્મી, આ જમવાની થાળીમાં નહાવાનો સાબુ કેમ રાખ્યો છે ? મારાં ઘરનાઓ પણ મારાં ડિપ્રેશનથી બહું જ ચિંતીત હતાં. એક વાર મે કેરોસિનથી માથુ ધોઇ કાઢેલુ. એટલું મારૂં મન ડામાડોળ રહેતું. મે જમવાનુ છોડી દીધેલુ. મને પાણી પીવુ ગમતું બંધ થઇ ગયેલુ. હું નહાવા જાઉ ત્યારે મને એ પાણી જોઇને યાદ આવતું કે મે તો છેલ્લી સતર કલાકથી પાણી પીધુ જ નથી. અનેક વાર મારો જીવ નીકળતા નીકળતા રહી ગયો હશે. આ છે મારી છેલ્લા ઘણાં સમયની પરિસ્થિતી. પણ એ મે તમને શા માટે જણાવી એ વાંચો.
પણ મારાં અત્યંત કપરા સમયમાં એ ફીલ્મ મારી સામે આવી. મે એ ફીલ્મ જોઇ. અને મારો સમય ફરી ગયો. હું ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો. મને ભુખ લાગવાની શરૂ થઇ ગઇ. હવે મને તરસ પણ લાગે છે. હવે હું કાંઇ પણ ખાઇ શકું છું. હવે મને અજીબોગરીબ વિચારો આવતાં નથી. તો ક્યારેક મારૂં મગજ ક્રિએટીવ આઇડિયાથી ભરાઇ જવાં લાગ્યુ. હવે હું ચાલી શકું છું, હવે હું દોડી પણ શકું છું. અરે એની ક્યાં વાત કરો છો ! હવે તો મારી કિડનીઓએ કામ કરવાનુ શરૂ કરી દીધું છે. મારી જીભે સ્વાદ પારખવાનુ પણ શરૂં કરી દિધું છે. આવાં તો અનેક ઉપકાર છે એ ફીલ્મના મારાં ઉપર.

સૌથી પહેલાં તો હું એ વાત કરૂં કે આ ભાષાની ફીલ્મ હોય એટલે મારે જ જોવી જોઇએ એવું હું એટલું દ્રઢપણે માનુ છું કે જેટલું હું શુક્ર પર જીવન ન હોવાનુ દ્રઢપણે માનુ છું. એક સમયમાં કહેવાતું કે માણસે પોતાની કમાણીનો એક હિસ્સો દાન ધરમ માટે રાખવો જોઇએ. પણ હવે આ મૂલ્ય બદલાવવાનો સમય આવી ગયો છે. હવે મારે મારી કમાણીમાંથી એક હીસ્સો નહી પણ પાંચ હિસ્સા મારી ભાષામાં બનેલ ફીલ્મો માટે રાખવો જ જોઇએ. એના કારણે હું મારી ભાષા, મારી સંસ્કૃતિ, મારો પ્રદેશ, મારો દેશ, મારૂં પર્યાવરણ, મારી કુદરત, મારી ઉત્ક્રાંતિ, માનવજીવનનો વિકાસ, પશુપક્ષીઓ પર જીવદયા,  મારૂં ટુરિઝમ...... વગેરે વગેરે ને બચાવી શકીશ. મે લીધેલ ટિકીટથી કેટલું અર્થતંત્ર ફરશે એ વિચારો જરાં. દેશમાં ખુશહાલી લાવવામાં મારી ટિકીટનો સિંહફાળો હશે. અરે મારાં ખર્ચેલ પૈસાથી હું પ્રોડ્યુસરથી માંડીને સ્પોટબોયના ઘર ચલાવી શકીશ એ પણ મારી ભાષાની સેવા જ હશે. આમ કરવામાં હું મારી જાતને ગૌરવપૂર્ણ, ગૌરવશાળી અને અહોભાવ વાળી સમજીશ. આમ કરવાથી મને સાત સોમવાર, નવ ગુરૂવાર અને અગીયાર પૂનમના અપવાસ કરવાં જેટલું પુણ્ય મળશે એવું મારૂં દ્રઢપણે માનવુ છે.

અને હવે વાત ફીલ્મની કરીએ. ફીલ્મના પ્રોડ્યુસર સાથે આમ તો અમારે લગભગ ત્રીસેક વર્ષથી ફેમિલી રિલેશન છે. રમેશનો જન્મ થયેલો ત્યારે એના ઘરમાં એના દાદીમા નહોતાં એટલે એની મમ્મીએ એની છઠ્ઠીના દિવસે મારાં બાને ગળથુથી બનાવવા માટે બોલાવેલાં. એટલે હું તો રમેશની ખરેખર છઠ્ઠી જાણું છું. એ ક્યારેય જેવી તેવી ફીલ્મ માટે ફંડિંગ કરે જ નહી એવી મને ગળા સુધી ખાતરી છે. એનો ઉછેર મારી નજર સામે થયો છે એટલે એના માટે તો હું એટલો ચોક્કસ છું કે એનુ મેન્ટલ લેવલ બિયોન્ડ હોરાઇઝોન્સ છે. નાનપણથી જ એ સતત ઉછળતો, કુદતો અને સતત પ્રગતિશીલ રહે તેવો કાંઇક જૂદો જ માનવી હતો. નાનપણથી જ એણે જગતના તમામ સાહિત્યકારોને વાંચીને માનસિક અને ચૈતસિક સિમાઓ એટલી વિસ્તારી છે કે એની ફીલ્મમાં એક આધ્યાત્મિક સ્પર્શ ન હોય તો જ નવાઇ. વેલ્યુઝ, મોરલ્સ, ટ્રુથ આ બધં. તો એની પોતાની પર્સનાલિટીમાં એટલું બધું ઠાંસી ઠાંસીને ભર્યુ છે કે એ બધું પડઘાય છે એની ફીલ્મમાં. નાનપણથી જ એ એટલો ડિસીપ્લિન્ડ અને એટિક્વેટ વાળો માણસ હતો કે મજાલ છે કોઇની કે એણે એના પેન્ટમાં શર્ટનુ ઇન કરેલ હોય એમાં સવારથી સાંજ સુધી એક પણ કરચલી દેખાડી દે ! હવે તમે વિચારો કે આટલી ડિસીપ્લીન વાળા માણસની ફીલ્મ હું આંખ બંધ કરીને જોવાં ન જાઉ એનુ કોઇ કારણ ખરૂં. રમેશને તો મારી દિલથી શૂભેચ્છા હોય જ. ફીલ્મ બનાવતા પહેલાં જ એ ઘરે આવ્યો હતો ત્યારે અમે આખા ઘરે એને રૂબરૂમાં જ શૂભેચ્છાઓ તો આપી દીધેલ હતી. અને અહીયાં લેખીતમાં પણ એને ઢેર સારી શૂભેચ્છા !

ફીલ્મની થોડી વાત આગળ ચલાવુ તો મહેશને જ્યારે આ ફીલ્મની વાર્તા લખવાં માટે પસંદ કરવામાં આવ્યો ત્યારથી જ મને ખબર હતી કે આ ફીલ્મના ડાયલોગ્સ વર્લ્ડ બેસ્ટ જ લખાવાના છે. હું ને મહેશ એક જ ક્લાસમાં એક જ બેંચ પર બેસીને સાત વર્ષ સાથે ભણ્યા. એકેએક કવિતાઓ એને યાદ જ હોય. ગુજરાતી અને હિન્દી વિષયની ટેક્સ્ટ બુકમાં ક્યા પાઠના લેખક કોણ છે એ એને હમેશા યાદ જ હોય. એ જે ટુકનોંધ લખતો એમાં એને પાંચમાંથી પૂરાં પાંચ માર્ક મળતા. અર્થવિસ્તાર તો હમેશા જેટલી લાઇનમાં લખવાનો હોય એના કરતાં બે લાઇન વધારે જ લખ્યો હોય. અદ્ભુત લેખનશૈલિ એની. શબ્દો તો એના ગજવામાં રમે. વર્લ્ડ લિટરેચરની કોઇપણ વાત એને હમેશા મુખપાઠ જ હોય. પણ ક્યારેય પોતાની ધરતીથી જૂદો ન થયો એ માણસ. આ ભૂમિને એણે હમેશા સાથે રાખી. માર્ક માય વર્ડ, એક દિવસ એને લિટરેચર માટેનુ નોબેલ પ્રાઇઝ મને દેખાઇ રહ્યું છે. અરે નિબંધ લખતો એ પણ હમેશા બિબાઢાળ નહી પણ પોતાની રીતે લખતો. તમે વિચાર કરો કે સમાજવિધ્યામાં નાપાસ થનારો માણસ ગુજરાતીમાં સો માંથી બોતેર માર્ક લાવે એટલે ભાષા સાથે કેટલો જોડાયેલો હશે ! એના પગ એની ભાષાથી કોઇ દિવસ છૂટ્યા નથી. ભાષાની આટલી સેવા તો કદાચ આજ દિવસ સુધી આ દેશના ઇતિહાસમાં કદી કોઇએ નહી કરી હોય. ધન્ય છે એને !
​​​​​​​
હું તો આ ફીલ્મથી એટલો અભિભૂત થયેલો છું કે મારાંથી આ ફીલ્મની વાતો પૂરી થતી જ નથી. મારાં રિવ્યુનો ક્લાઇમેક્સ તો હજી બાકી છે. અને એ એટલે આ ફીલ્મનો ડાયરેક્ટર. સુરેશે તો ક્યારેય મને પૂછ્યા વગર એક ડગલુ ભર્યુ નથી. એને રસોઇ બનાવવાનો ખૂબ શોખ પણ હું એ સમયની વાત કરૂં છું કે જ્યારે એને રસોઇ બનાવતા આવડતી નહી. એટલું પરફેક્શન કે એક વાર મે જણાવી દીધાં બાદ પણ લગભગ એક મહિના સુધી રોજ એણે મને ફોન કરીને પૂછેલું કે ભાતમાં પાણી કેટલાં ગણુ હોય, ખીચડીમાં પાણી કેટલાં ગણુ હોય ને ગુજરાતી દાળમાં પાણી કેટલાં ગણુ હોય ! હું કહું કે હજુ કાલે તો તને કહ્યું હતું તો શું જવાબ આપે ખબર છે ? એમ કહે કે નહી યાર, મને પરફેક્શનમાં છે. જેની દાળ બગડે એનુ આખું વર્ષ બગડે. એટલે હું જ્યાં સુધી પરફેક્ટ નહી થાઉ ત્યાં સુધી તને રોજ હેરાન કરીશ તો હું તો કહું કે ભાઇ, પૂછ ને તું તારે ! પણ બાપ રે, કોઇ પણ કામ કરે તો પરફેક્શન અને કોન્સનટ્રેશન તો એનુ હો ! આજના સમયનો અર્જુન જ ગણી લો. જાણે કે અર્જુનનો જ આ બીજો જન્મ હોય ને પાછલાં જન્મમાં એણે જ પાણીમાં જોઇને ઉપર ફરતી માછલીની આંખ વિંધી હોય. મને તો આનુ પરફેક્શન અને કોન્સનપટ્રેશન જોઇને અર્જુનવાળી વાત સાચી લાગે. લોકોને જે કહેવું હોય તે કહે, પણ હું તો સુરેશને મારો ગુરૂ જ માનુ છું. સુરેશ એટલે સુરેશ. એના પ્રતિભા પાસે સુર્ય પણ પાણી ભરે. સુરેશ એટલે તો કલાત્મક્તાનો કુંભ. સુરેશ એટલે તો જ્ઞાનનો ભંડાર. સુરેશ જેવો માણસ પૃથ્વિ પર તો શું આ પૃથ્વિની બહાર સમગ્ર બ્રહ્માંડમાં શોધવો મૂશ્કેલ. હવે બોલો, છે એની દિગ્દર્શિત કરેલ મુવિ પર કોઇ શંકા કરવાનુ કારણ ? હું તો બધાંને વિનંતી કરૂં છું કે આજે જ આ મૂવિ જોઇ આવો.
બાકી આ ફીલ્મની વાર્તા, પટકથા, કેમેરા એંગલ, મ્યુઝિક, ગીતના શબ્દો બધું જ સરસ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application