ઓનલાઇન જુગારની બદી સતત વધી રહી છે. ખાસ કરીને યુવાધન ઓનલાઇન જુગારમાં ખુંવાર થઈ રહ્યું છે. ઓનલાઇન જુગારમાં મોટી રકમ હારી જતા કોલેજીયન વિદ્યાર્થી સહિતનાએ આપઘાત કર્યાના બનાવો પણ રાજકોટમાં બની ચૂક્યા છે. ત્યારે ઓનલાઇન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન આપનાર સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સામે રાજકોટ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગઇકાલે બે ઇન્ફલુએન્સર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરાયા બાદ આજરોજ વધુ છ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ડઝનથી વધુ ઇન્ફલુએન્સર સામે ગુનો નોંધવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહી છે.હવે પોલીસે આ કારસ્તાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવશે.
સાયબર ક્રાઇમની ટીમે આજરોજ વધુ છ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સામે ગુના નોંધ્યા છે.જેમાં વીજય ઠાકરે ૯૭ નામની આઇડી ધરવનાર વિજય મનસુખભાઇ મજેઠીયા(ઉ.વ ૩૨ રહે. રાધાકૃષ્ણનગર શેરી નં.૫ જંગલેશ્ર્વર મેઇન રોડ), ની ૦૯ ની આઇડીના ધારક ઇલેશ કિશોરભાઇ ડેરવાળીયા(ઉ.વ ૨૦ રહે. આરટીઓ પાછળ શ્રી રામ સોસાયટી), સાગરની આઇડીના ધારક સાગર કિશોરભાઇ છૈયા(ઉ.વ ૨૪ રહે. શિવનગર સોસાયટી શેરી નં.૧૨ ગ્રીનલેન્ડ ચોકડી પાસે), લક્ષમણ ઠાકરે ૧૧૧૧ ની આઇડીના ધારક લક્ષ્મણ સુરેશભાઇ જંજવાડીયા(ઉ.વ ૩૦ સુકલ પીપળીયા તા. રાજકોટ), ભાવેશ ઠાકોર નામની આઇડીના ધારક ભાવેશ મુકેશભાઇ રાઠોડ(ઉ.વ ૨૫ રહે. આનંદપર નવાગામ) અને નીલ ચાવડા નામની આઇડીના ધારક નીલેશ મનસુખભાઇ ચાવડા(ઉ.વ ૨૯ રહે. નાના મવા જડુસ હોટલની પાછળ,રાજકોટ) નો સમાવેશ થાય છે. આ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
યુવાનધનને જુગારના રવાડે ચડાવનાર સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ એસીપી ચિંતન પટેલની રાહબરી હેઠળ સાઇબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. જે દરમિયાન સાયબર સેલની ટીમે એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર ઓનલાઇન ગેમિંગને પ્રોત્સાહન આપતું હોવાનું શોધી કાઢ્યું હતું. ધાર્મિક કીંગ૭૭૭૭ નામની આઈડી પર આ રાજાગેમ્સની લીંક હતી. જેથી તે લીંક ઓપન કરતા લોટરી, સ્પોર્ટ્સ કસીનો વગેરે ગેમિંગ માટેનું પેજ ઓપન થયું હતું જેથી ધાર્મિક જગદીશભાઈ વાઘાણી(ઉ.વ 20 રહે.માલીયાસણ મેઈન બજાર, રાજકોટ) તથા આ જ પ્રકારે દીપ ગૌસ્વામી ૭ નામના આઈડી ધારકે પણ સોશિયલ મીડિયા પર રાજા ગેમ્સ નામની ઓનલાઇન ગેમિંગની વેબસાઈટની લીંક મૂકી લોકોને જુગાર રમવા માટે પ્રોત્સાહન આપ્યું હોવાનું ધ્યાને આવ્યા બાદ આ આઈડી ધારક દીપ મનોજભાઈ ગૌસ્વામી(ઉ.વ 23 રહે. તથ્ય બંગલો નં.15 રેલનગર,રાજકોટ) ને પણ બોલાવી તેની પૂછપરછ કર્યા બાદ તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરમિયાન આજરોજ વધુ છ સામે ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે દ્વારા હાલ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગામી સમયમાં વધુ ૬ જેટલા સોશિયલ મીડિયા એન્ફલુએન્સર સામે ગુનો નોંધવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે. પોલીસે હવે કારસ્તાના મુળ સુધી પહોચવા માટે તપાસ આગળ ધપાવશે.
બેટિંગ ગેમના ડેવલોપર થાઈલેન્ડમાં
સોશિયલ મીડિયા પર જુગાર રમવાની ગેમનું પ્રમોશન કરનાર સોશિયલ મીડિયા સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જુગાર સંબંધિત આવી ગેમમાં ઝડપાયેલા આ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર વચેટીયાની ભૂમિકા નિભાવે છે. જ્યારે આ પ્રકારની ગેમના ડેવલોપર દેશ બહાર થાઈલેન્ડમાંથી આ કારસ્તાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
ડેવલોપરે ઇન્ફલુએન્સરના આઈડી બ્લોક કર્યા
રાજકોટ પોલીસે ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન આપનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુના નોંધવાનું શરૂ કર્યું છે. આ કારસ્તાન બહાર આવતા જ આ પ્રકારની ગેમ બનાવનાર અને લોકોને તેમાં જુગાર રમાડનાર ડેવલોપરને પણ આ વાતની જાણ થઈ ગઈ હોય તેમણે જે ઇન્ફ્લુએન્સર સામે ગુના નોંધવામાં આવ્યા છે તેને તુરંત બ્લોક કરી દીધા છે. તેમના આઈડી પણ ડિસ્કનેક્ટ કરી દીધા છે.
ગેમિંગ લિંકમાં 5000 લોકો જોડાઈ તો ઇન્ફ્લુએન્સરને ૪ લાખનું બોનસ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઓનલાઈન ગેમિંગને પ્રમોશન આપતી લિંક મૂકી તગડી કમાણી કરે છે. આ પ્રકારનું કૃત્ય કરવા માટે ડેવલોપર દ્વારા લલચામણી સ્કીમ પણ આપવામાં આવતી હોય છે. જેમાં ઓનલાઇન ગેમીંગની લીંકમાં 5,000 સભ્યો જોડાઈ તો તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને રૂ. 4 લાખનું બોનસ આપવામાં આવે છે.
ઈન્ફ્લુએન્સર અને ગેમિંગ ડેવલોપર વચ્ચે ટેલિગ્રામ થકી સંપર્ક
સાઇબર સેલના સૂત્રો જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ઓનલાઈન ગેમિંગના ડેવલોપર વચ્ચે સીધી રીતે કોઈ સંપર્ક હોતો નથી. ટેલિગ્રામમાં લીંક મોકલ્યા બાદ બંને વચ્ચે સંપર્ક થતો હોય છે. બાદમાં ટેલીગ્રામ પર જ તેમને ઓનલાઈન ગેમીંગ અંગેની લીંક મોકલવામાં આવે છે. જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમિશનની લાલચમાં પોતાના આઈડીમાં મૂકે છે.
પોલીસ સ્ટેશનને ઈન્ફ્લુએન્સરનો મેળાવડો જામ્યો
રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન જુગારની ગેમિંગને પ્રોત્સાહન આપનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ગુના નોંધવાનું શરૂ કર્યું છે. તે માટેની એક ખાસ યાદી પણ તૈયાર કરી છે. આ પ્રકારની લિંક મુકનાર સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરને સાઇબર ક્રાઇમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરનો મેળવડો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech