‘યહા કા રાજા હૈ વો...’ ગુજરાતના 11 જિલ્લામાં જંગલના રાજાની ડણક, 891 સિંહ નોંધાયા, 5 વર્ષમાં 217 સાવજ વધ્યા, જાણો નર, માદા અને પાઠડાની સંખ્યા

  • May 21, 2025 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં 16મી સિંહ વસ્તી અંદાજની સંખ્યા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિંહની સંખ્યા જાહેર કરી હતી. રાજ્યના 11 જિલ્લામાં 891 સિંહ નોંધાયા છે. 


સિંહની વસ્તી ગણતરીમાં 3854 લોકો જોડાયા હતા

કુલ 891માંથી 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 સિંહબાળ નોંધાયા છે. સિંહની વસ્તી ગણતરીમાં 3854 લોકો જોડાયા હતા. રાજ્યના 11 જિલ્લામાં 8 રીજનમા સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તીના આંકડા આધારે પ્રોજેક્ટ લાયન હાથ ધરાશે. ૨૪ કલાકના બે તબક્કામાં ગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સિંહની વસ્તી ગણતરી માટે ૩ કંન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા હતા. 


ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે '16મી સિંહ વસ્તી ગણતરી - 2025'ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.


સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવાએકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવ્યા હતા. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી.


સૌપ્રથમ વર્ષ 1936માં યોજાઇ હતી સિંહ વસ્તી ગણતરી

વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.


ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી ગણતરી

એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિ અપનાવાઈ હતી. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100 ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.


મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જેથી સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application