રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર, મહાપાલિકાના 13 કોમ્યુનિટી હોલ ખુલ્યા, આજથી ઓનલાઈન બુકિંગ શરૂ, જાણો કેવી રીતે કરી શકાશે બુકિંગ

  • April 04, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટવાસીઓ માટે ખુશખબર છે કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી સિસ્ટમ અને ફાયર એનઓસીના અભાવે બંધ કરાયેલા રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૨૪માંથી ૧૩ કોમ્યુનિટી હોલ આજથી નાગરિકોની સેવામાં ખુલા મુકાયા છે અને આજથી જ ઓનલાઇન બુકિંગ લેવાનું પણ શરૂ કરાયું છે. જો કે હજુ પણ ૧૧ કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં છે જેને તબક્કાવાર ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થયે અને ફાયર એનઓસી મળ્યા બાદ ખુલા મુકવામાં આવશે.

વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતી ચેરમેન મગનભાઇ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના મધ્યમ વર્ગના પરિવારોને પોતાનાં નાના-મોટા પ્રસંગોના આયોજન કરી શકે તેવી સુવિધા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાયું છે. 


નાગરિકોની સલામતિ માટે રાજ્ય સરકાર દ્વારા થયેલ આદેશના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ કોમ્યુનીટી હોલ ખાતે તમામ સ્થળોએ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલનું મેનેજમેન્ટ રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવે છે, શાખા દ્વારા રજુ થયેલ માહિતી મુજબ જુદા જુદા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ પૈકી જે સ્થળે આ કામગીરી પૂર્ણ થતી જાય તે કોમ્યુનિટી હોલ નાગરિકોને બુકિંગ માટે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. દરમિયાન આજની સ્થિતિએ ૧૩ કોમ્યુનિટી હોલ નાગરિકોની સેવામાં ખુલા મુકાયા છે અને બુકિંગ શરૂ કરાયું છે. નાગરિકોને આ સુવિધાનો જરૂરિયાત મુજબ લાભ લેવા અનુરોધ કરાયો છે.


આ ૧૩ કોમ્યુનિટી હોલ સેવામાં ઉપલબ્ધ

  1. અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ (ભક્તિનગર સ્ટેશન પ્લોટ)
  2. ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ (જિલ્લા ગાર્ડન ચોક)
  3. કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ: યુનિટ-૧ (યુનિવર્સિટી રોડ)
  4. કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર (યુનિવર્સિટી રોડ)
  5. સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ: યુનિટ-૧ (મોરબી રોડ)
  6. સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર (મોરબી રોડ)
  7. અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ: યુનિટ-૧ (રૈયા રોડ પાસે)
  8. અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર (એસી) (રૈયા રોડ પાસે)
  9. પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ: યુનિટ-૧ (આનંદનગર)
  10. પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર (આનંદનગર)
  11. મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંત કબીર રોડ)
  12. મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)
  13. પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)


ઓનલાઇન બુકિંગ માટે આ મુજબ પ્રક્રિયા કરવાની રહેશે

  1. કોમ્યુનિટી હોલના ઓનલાઇન બુકિંગ રાજકોટ મહાનગરપાલિકાના વેબ પોર્ટલ પર અથવા રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ્લીકેશન મારફત કરી શકાશે.
  2. માં સૌપ્રથમ હોલ બુકિંગ સીલેક્ટ કરવું. હોલ બુકિંગમાં જઇ અરજદારે તેની પ્રાથમિક વિગત જેવી કે નામ, સરનામુ, મોબાઇલ નંબર, આઈ.ડી.કાર્ડ નંબર જેવી વિગતો દાખલ કરવી.
  3. ઓનલાઇન બુકિંગ સમયે અરજદારે ડિપોઝીટ રીફંડ માટે પોતાના બેન્ક ખાતાની વિગતો ભરવાની રહેશે (બેંક પાસબુક અથવા ચેકબુક સાથે રાખવી)
  4. અરજદારે દર્શાવેલ જે તે બેન્ક ખાતામાં એક માસ બાદ પરત જમા થશે. રીફંડ માટે માટે અરજદારે અલગથી કોઇ અરજી કરવી પડશે નહીં.
  5. અરજદારે બુકિંગ કરાવવા માટેનો કોમ્યુનિટી હોલ-ઓડીટોરીયમ સીલેક્ટ કરવુ. આ કોમ્યુનિટી હોલ ખાતે લગ્નપ્રસંગ, સગાઈ,ધાર્મિક, ઉત્તર ક્રિયા, લૌકિક પ્રસંગ, જનોઇ, સીમંત, બેસણું, ઉઠમણું, કોમર્શિયલ ફંક્શન કે અન્ય પ્રસંગ જેમાં સેમિનાર, વક્તવ્ય, સાંસ્કૃત્તિક કાર્યક્રમ, સ્કુલ ફંક્શન, સંગીત સંધ્યા, ધંધાકીય મીટીંગ/ગુટ-ટુ-ગેધર, સામાજીક સંમેલન, નાટક, કે અન્ય નાના-મોટા પ્રસંગનો હેતુ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
  6. ઓનલાઇન બુકિંગ વખતે અરજદારે પ્રસંગનો હેતુ વિકલ્પ તરીકે પસંદ કરવાનો રહે છે, જે વિકલ્પ પસંદ કર્યેથી જેતે કોમ્યુનિટી હોલની ઉપલબ્ધિ મુજબ કલર કોડેડ તારીખ સોફ્ટવેરમાં દર્શાવશે.
  7. બાદમાં પ્રસંગની તારીખ પસંદ કરવી, જે પૈકી કેસરી રંગ(પાછલી તારીખ), લીલો રંગ(બુકિંગ માટે ઉપલબ્ધ છે), લાલ રંગ(બુકિંગ ખાલી છે), ભુરો, પીળો રંગ(બુકિંગ ખુલવાનુ બાકી છે) તે મુજબ જેતે રંગની તારીખ સોફટવેરમાં દર્શાવશે.
  8. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરી save and payment ઉપર સીલેક્ટ કર્યેથી ઓનલાઇન પેમેન્ટના ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પૈકી કોઇપણ એક ઓપ્શન પસંદ કરી ઓનલાઇન પેમેન્ટ કરવું. બાદમાં પર હોલ બુકિંગ રીસીપ્ટમાં જઇ રીસીપ્ટ ડાઉનલોડ કરવી.


ફાયર એનઓસીના અભાવે ૧૧ હોલ હજુ બંધ

  1. વસંતરાય ગઢકર હોલ, ગુરૂપ્રસાદ હોલ
  2. ગુરૂનાનક કોમ્યુનિટી હોલ, ગાયકવાડી
  3. એકલવ્ય કોમ્યુનિટી હોલ, ભીલવાસ પાસે, જાગનાથ
  4. ગુરૂ ગોવિંદસિંઘજી કોમ્યુનિટી હોલ, રૈયા રોડ
  5. છત્રપતિ શિવાજી કોમ્યુનિટી હોલ, રેલનગર
  6. નાનજીભાઈ ચૌહાણ હોલ, ધરમનગર આવાસ યોજના
  7. નવલસિંહ ભટ્ટી હોલ, ધરમનગર પાસે
  8. પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, સેટેલાઇટ ચોક
  9. મોહનભાઇ સરવૈયા હોલ, અમૂલ સર્કલ, ૮૦ ફૂટ રોડ
  10. કાંતિભાઇ વૈદ્ય કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડ
  11. અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application