ટ્રાફિક પોલીસ-ટોઇંગ સ્ક્વોડના નકશામાંથી 20- ન્યુ જાગનાથ ગાયબ? રોડ પર બંને બાજુ બેફામ આડેધડ વાહન પાર્કિંગથી સતત ટ્રાફિકજામ

  • April 19, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વેશ્વર ચોકના વોંકળાના કામને લઈ શહેરના હૃદયસમા યાજ્ઞિક રોડને બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયા બાદ ન્યુ જાગનાથ 20 ઉપર ટ્રાફિકની સમસ્યા હદ વટાવી રહી છે. અહીં રસ્તો હોવા છતાં સોસાયટીની શેરી હોય તેમ આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. યાજ્ઞિક રોડ બંધ કર્યાને ચાર દિવસ થઈ ચૂક્યા છે અને છેલ્લા ચાર દિવસથી અહીં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. તેમછતાં ટ્રાફિક પોલીસ અને તેની ટોઇંગ સ્કોવડની નજર અહીં કેમ પડતી નથી? તે બાબત ભારે આશ્ચર્યજનક છે.


યાજ્ઞિક રોડ બંધ કર્યા બાદ મોટાભાગના વાહન ચાલકો મહિલા કોલેજ અંડર બ્રિજ, એસ્ટ્રોન ચોક જવા માટે ન્યુ જાગનાથ 20 ના રસ્તા પર વાહન ચલાવતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ અહીં રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે હવે અહીં સ્થિતિ કલ્પી ન શકાય તેવી વિકટ બની ચૂકી છે.


આટલું ઓછું હોય તેમ અહીં દુકાન ધરાવનાર વેપારીઓ તેમજ આસપાસના કોમર્શિયલ કોમ્પ્લેક્સના વાહનચાલકો રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરી દેતા હોવાથી રસ્તા પર કાર તો ઠીક ટુ વ્હીલર લઈને પણ નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સામાન્ય રીતે સાંજના સમયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે પરંતુ અહીં તો દિવસભર સતત ટ્રાફિકજામ રહે છે.


ચાર દિવસથી ન્યુ જાગનાથ ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની હોવા છતાં ટ્રાફિક પોલીસના નકશામાંથી જાણે ન્યુ જાગનાથ 20 ગાયબ જ થઈ ગયું હોય તેમ ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ટ્રાફિક નિયમન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ટ્રાફિક શાખાની ટોઇંગ સ્કોવડ આમ તો ખૂબ જ ઝડપી કામગીરી કરે છે કોઈ વાહનચાલક નો પાર્કિંગમાંવાહન મૂકીને જાય ત્યાં જ ટોઇંગ વાન આવી જઇ વાહન ટોં કરી લઈ જાય છે. પરંતુ અહીં ન્યુ જાગનાથમાં ચાર દિવસથી આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે અને જેના લીધે ટ્રાફિક સમસ્યા હદ વટાવી રહી છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ રાખવામાં આવે તેમજ આડેધડ વાહન પાર્ક કરનારના વાહન ટોં કરવામાં આવે અન્યથા ટૂંક સમયમાં જ અહીં પણ મોટા અકસ્માતની ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે.


એક તરફ રસ્તો બંધ બીજી તરફ ખોદકામ ચાલુ

ન્યુ જાગનાથ 20 માં યાજ્ઞિક રોડ બંધ થયા બાદ અહીંથી પસાર થનાર વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. જેના લીધે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ રહી છે. તો બીજી તરફ અહીં ન્યુ જાગનાથ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ખોદકામનું કામ ચાલી રહ્યું હોય જેનો સામાન લેવા લઈ જવા માટે ટ્રેક્ટર સહિતના વાહનો અહીં રોડ પર રહેતા હોય સ્થિતી વધુ બદત્તર બની છે. તંત્ર દ્વારા આ માટે કોઈ નક્કર આયોજન જ ન હોય તેવું જાણાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News