આજે કચ્છમાં રેડ એલર્ટ: રાજકોટ, પોરબંદર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ, જાણો ગઈકાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું

  • April 07, 2025 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરમીનો પ્રકોપ હજુ આગામી તારીખ 10 ને ગુરુવાર સુધી ચાલુ રહેશે અને ત્યાર પછી ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાએ આજે કચ્છ માટે હિટ વેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ પોરબંદર મોરબી માટે ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગર મહેસાણા જુનાગઢ દીવ ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.


ગઈકાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 43.9 ડિગ્રી એટલે કે 44 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. બે દિવસ દરમિયાન હજુ બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. અને તેના કારણે અમુક જગ્યાએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ પહોંચી જવાની શક્યતા ઊભી થઈ છે. રવિવારે અમદાવાદમાં 43 અમરેલીમાં 42.9 વડોદરામાં 41.8 ભાવનગરમાં 40.4 ભુજમાં 43 ડીસામાં 43.3 ગાંધીનગરમાં 42.5 કંડલામાં 40.8 રાજકોટમાં 43.9 સુરતમાં 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.દીવમાં ગઈકાલે મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી હતું જે અત્યારે હોવું જોઈએ તેના કરતાં 6.4 ડિગ્રી વધુ હતું આવી જ રીતે રાજકોટમાં 4.9 કંડલામાં 5.2 અને સુરતમાં 4.7 ડીગ્રી વધુ તાપમાન છે.


ગુજરાત ઉપરાંત રાજસ્થાન હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ માં પણ હિટ વેવનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. ગુજરાત ઉપરાંત કોકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજવાળા અને ગરમ વાતાવરણની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 14 સુધી આવું વાતાવરણ રહેશે તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે.


બંગાળની ખાડીમાં બુધવાર સુધીમાં ઉદ્ભવશે લો પ્રેસર

બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં આજે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી 48 કલાકમાં એટલે કે બુધવાર સુધીમાં લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાશે અને તેના કારણે અંદામાન નિકોબાર ટાપુઓ પર પ્રતિ કલાકના 45 થી 55 કીલોમીટર ની ઝડપે તોફાની પવન સાથે છ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ લો પ્રેસરની આસિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ત્રણ-ચાર દિવસ પછી ગતિ કરે તેવું જણાય છે. અત્યારની સ્થિતિએ આ સિસ્ટમની અસરો પૂરેપૂરી જાણી શકાય તેમ નથી. પરંતુ ગુરુવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.


દરમિયાનમાં કાલે હિમાલયન રીજીયનમાં એક પ્રભાવશાળી વેસ્ટન ડીસ્ટર્બન્ટ ઉભું થઈ રહ્યું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર કેરલ આસામ મેઘાલય સહિતના રાજ્યોમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application