માત્ર ૧૩ માસ પહેલા લગ્ન થયા હતા: ગઇસાંજે ૩૨ વર્ષના સોહન પ્રફુલચંદ્ર સોનછાત્રાને હાર્ટએટેક આવ્યા બાદ નિધન: પરિવારમાં ઘેરા શોકની લાગણી
હ્યદયરોગ અને કાર્ડીયાક એરેસ્ટનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે, હજુ પરમદિવસે જ રાજકોટમાં જીમમાંથી આવેલા રપ વર્ષના યુવાનનું કાર્ડીયાક એરેસ્ટ કારણે મૃત્યુ થયું હતું, રાજ્યમાં રોજ ઉઠીને નાની વયના લોકોના હ્યદયરોગના પ્રાણઘાતક હુમલાના કારણે નિધન થઇ રહ્યા છે, ત્યારે ગઇસાંજે જામનગરમાં માત્ર ૩ર વર્ષની વયના યુવાનનું કાર્ડીયાક એરેસ્ટના કારણે મૃત્યુ થયાની વધુ એક ઘટના નોંધાઇ છે, પાંચ પરણીત બહેનોના એકના એક ભાઇને હાર્ટએટેક ભરખી ગયો છે અને દુ:ખદ વાત એ છે કે મૃતક યુવાનના માત્ર ૧૩ માસ પહેલા જ લગ્ન થયા હતા, આમ એક યુવતિ પણ વિધવા થઇ છે, આ દુ:ખદ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે, બીજી તરફ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઇ છે.
અહીંના ગુલાબનગર ખાતે રહેતા અને ખાનગી શીપીંગ કંપનીમાં ફરજ બજાવતા સોહન પ્રફુલચંદ્ર સોનછાત્રાને ગઇસાંજે ૬ કલાકે હ્યદયરોગનો જબ્બરદસ્ત હુમલો આવ્યો હતો, તાબડતોબ સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોની સારવાર કારગાત નીવડી ન હતી અને હોસ્પિટલના બિછાને જ સોહને અંતિમ શ્ર્વાસ લઇ લીધા હતા.
આજે બપોરે ૧ કલાકે ગુલાબનગર ઓવરબ્રીજ પાસે આવેલ યોગેશ્ર્વરનગર ખાતેના નિવાસસ્થાનેથી સદ્દગતની અંતિમ યાત્રા નીકળી હતી, આ તકે પરિવારજનોના કણ કલ્પાંતથી ઉપસ્થિત તમામ લોકોના આંખોમાંથી અશ્રુધારાઓ વહી હતી.
મૃત્યુ તો અફર છે, દરેક વ્યક્તિને મોતનો સ્વાદ ચાખવાનો છે, પરંતુ ઘણી વખત કેટલીક વિદાય એવી થઇ જતી હોય છે, જે લાંબા સમય સુધી ભુલી શકાતી નથી, સોહનના અકાળે અવસાનનો બનાવ પણ એવો છે કે કારણ કે પરિવારમાં એક માત્ર સોહન ગુજરાન ચલાવતો હતો.
પરિવારજનોનો ગુજરાન ચલાવતો હોવાથી એકાએક સોહનના આઘાતજનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે માતા-પિતા, પત્ની અને પાંચ બહેનોના કણ કલ્પાંતથી ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech