ભાણવડમાં રબારી સમાજ દ્વારા વાળીનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા સાથે ધર્મસભા

  • January 24, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેસાણા જિલ્લાના તરભ ખાતે રબારી સમાજ દ્વારા વાળીનાથ મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિર સોમનાથ મંદિર પછીના બીજા નંબરે આવી રહ્યું છે. આ મંદિરમાં તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે શિવલીંગને જલાભિષેક માટે હિંદુ ધર્મના પવિત્ર ચાર ધામ, ૧૨ જ્યોર્તિલીંગ પરીભ્રમણ કરાવી અને હવે રબારી સમાજના ગામો અને નેશડાઓ સુધી "મારો નાથ, મારે દ્વાર"ના કાર્યક્રમ હેઠળ શિવલીંગને મંદિરના મહંત જયરામગીરી બાપુ અને કોઠારીબાપુના માર્ગદર્શન અને ઉપસ્થિતિ હેઠળ રબારી સમાજના લોકોને તેમના ગામ ઘર સુધી દર્શનાર્થે અને જલાભિષેક માટે આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા - જામનગર અને પોરબંદર જિલ્લાના રબારી સમાજ માટે આ શોભાયાત્રા અને જલાભિષેક માટેનો કાર્યક્રમ ભાણવડના રાણપર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ભાણવડના ત્રણ પાટિયાથી લઈને રાણપર ગામ સુધી ૨૫ કિમિ રૂટની ભવ્ય શોભાયાત્રા જેમાં ૨૦૦ થી વધુ મોટરકાર અને ૫૦૦ જેટલા મોટર સાયકલ તથા ૫૦ જેટલા શણગારેલ ઉંટ સાથે વાળીનાથ મહાદેવની શિવલીંગનું ભવ્ય સ્વાગત સન્માન અને સામૈયા કરવામાં આવ્યા હતા.
આ સાથે રાણપર ગામે શોભાયાત્રાનું સમાપન કરી, ત્યાં શિવલિંગમાં જલાભિષેક ધાર્મિક સભા, અવિરત ભોજન પ્રસાદી અને લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાળીનાથ મહાદેવ મંદિરના કોઠારી દર્શનગીરી અને સમીરગીરી બાપુ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર નિમિષ ધડુક, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગીરીશભાઈ ગળચર, ભાણવડ તાલુકા રબારી સમાજના આગેવાન વી.ડી. મોરી, અરજણ મોરી, જેઠાભાઈ મોરી, ભગાભાઈ મુછાર, પોપટભાઈ કોડિયાતર, કિશોરભાઈ મકવાણા, જયેશભાઈ જેઠવા, ભરતભાઈ હુણ, લાખાભાઈ, બધાભાઈ ભીમાભાઈ વિગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application