રાજકોટમાં ઇન્દિરા સર્કલે ગોઝારો અકસ્માત સર્જનાર સિટી બસના ડેશ કેમમાં કેદ થયા હચમચાવતા દૃશ્યો, આ રીતે લોકોને કચડ્યા, જુઓ વીડિયો

  • April 17, 2025 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સિટી બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. હવે અકસ્માત સર્જનાર સિટી બસના ડેશ કેમના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, ડ્રાઈવરે આગળ જતા વાહનચાલકોને કેવી રીતે કચડ્યા હતા. 


અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે RTO તપાસમાં બસમાં કોઈ મિકેનિકલ ખામી ન હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્યવધ અને મોટર વ્હિકલ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ બસચાલક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપ્તામાં રાખવામાં આવેલ છે. જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ તેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


કોટેચા ચોકમાં સિટી બસ રોકી NSUIનો ચક્કાજામ


NSUIના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ સિટી બસને અટકાવી હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં કાર્યકર્તાઓ સિટી બસમાં બેસી ગયા હતા. જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ જવાનોએ 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખનો શર્ટ ઝપાઝપીમાં ફાટી ગયો હતો.


બસમાં કોઈ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા FSL તેમજ RTOની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં એક્સપાયર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. બ્રેથ એનલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણો સર લગાવી નથી શક્યો તે અંગે તપાસ કરવામાં આવશે.


અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા

ઇન્દીરા સર્કલ પાસે સિટી બસ નંબર જીજે.03.બીઝેડ.0048થી જે દુર્ઘટના બની તેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉંમર વર્ષ 35), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉંમર વર્ષ 40), ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ 25) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉંમર વર્ષ 56)નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, સુરજ ધર્મેશ, સાનિયાબેન અજયભાઈ રાજબર, અને વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application