ધારાસભ્ય રીટાબેન પટેલ, રણછોડભાઇ રબારી અને પૂર્વ સાંસદ હરીભાઇ પટેલે બપોરે ૩ થી લઇને રાતના ૧૧ કલાક સુધી નકકી કરેલા આગેવાનો-કાર્યકરોને સાંભળ્યા: અટલભવન પર દ્વારકા જિલ્લામાંથી પણ સેન્સ દેવા પહોંચ્યા આગેવાનો: ધારાસભ્યો ગાંધીનગર હોવાથી દેખાયા નહીં: ચૂપચાપ સેન્સ લઇને ગુપચુપ રવાના
લોકસભાની ચૂંટણીના મહાસંગ્રામની શરુઆત થઇ ચૂકી છે, કારણ કે ભાજપ દ્વારા ગઇકાલે જામનગર સહિત રાજયની તમામ બેઠકો પર કહેવાતી સેન્સની પ્રક્રિયા ફટાફટ રીતે પૂર્ણ કરી લીધી છે, જામનગરમાં બપોરના ૩ કલાકથી મોડી રાતના ૧૧ કલાક સુધી સેન્સની પ્રક્રિયા ચાલી હતી અને નિશ્ર્ચિત કરેલા આગેવાનો-કાર્યકરોને સાંભળવામાં આવ્યા બાદ બધાના મત-મંતવ્યો લઇને નિરીક્ષકો રવાના થઇ ગયા છે, આશ્ર્ચર્યની વાત એ છે કે ભાજપના સ્થાનિક વર્તુળો આ સંબંધે અને દાવેદારોને લઇને મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બધાના મોઢા હાલ બંધ છે અથવા બંધ રાખવાની સુચના આપવામાં આવી હોય એવું લાગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર-રાજકોટની શનિ-રવિની મુલાકાત બાદ બીજા જ દિવસે સોમવારે સમગ્ર રાજયમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરુ થઇ જશે એવી કદાચ ધારણા ભાજપના સ્થાનિક વર્તુળોને પણ નહીં હોય, એકાએક આદેશ છુટયા હતાં અને ગઇકાલે જ ૧૨-જામનગર લોકસભા બેઠક માટે સેન્સ લેવા ગાંધીનગરના ધારાસભ્યો રીટાબેન પટેલ, રણછોડભાઇ રબારી અને પૂર્વ સાંસદ હરીભાઇ પટેલ અહીંના અટલ ભવન ખાતે આવી પહોંચ્યા હતાં.
આ વખતેની સેન્સ પ્રક્રિયા અલગ પ્રકારની હતી જેમ અગાઉ જે તે વિસ્તારોના આગેવાનો-કાર્યકરોના ટોળા સેન્સ પ્રક્રિયા માટે આવી પહોંચતા હતાં એવું આ વખતે કાંઇ ન થાય તેની તકેદારીના ભાગરુપે પ્રદેશ ભાજપ તરફથી પહેલેથી જ ક્રાઇટેરીયા નકકી કરી લેવામાં આવ્યો હતો અને તેમાં નિશ્ર્ચિત લોકોને જ સેન્સ આપવા માટે બોલાવવામાં જણાવ્યું હતું, કહેવાય છે કે દરેકને ફોન કરીને આ અંગેની જાણ કરાઇ હતી.
આ મુજબ જામનગરમાં બપોરે ૩ કલાકથી જુદી-જુદી વિધાનસભા બેઠકોવાઇસ સાંભળવાનું શરુ થયું હતું, સૌ પ્રથમ દેવભૂમિ દ્વારકાના કાફલાને સાંભળવામાં આવ્યો હતો, જાણવા મળ્યું છે કે, દરેકને વ્યકિતગત બોલાવીને નિરીક્ષકો સાંભળતા હતાં અને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારને લઇને મત-મંતવ્યો મેળવતા હતાં.
આ પ્રક્રિયા રાત્રીના ૧૧ કલાક સુધી ચાલી હતી, આ દરમ્યાન નિરીક્ષકોેએ જામનગર જિલ્લાની પાંચ અને દેવભૂમિ દ્વારકાની બે વિધાનસભા બેઠક થઇને ટોટલ ૭ વિધાનસભા બેઠકના નકકી કરેલા આગેવાનો-કાર્યકરોને સાંભળ્યા હતાં, આ સેન્સ પ્રક્રિયા દરમ્યાન પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, પ્રદેશ કિશાન સેલના સુરેશભાઇ વશરા, પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં ભળેલા ચીરાગ કાલરીયા જેવા આગેવાનો જોવા મળ્યા હતાં, તો દેવભુમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિતની ટીમ સેન્સ માટે આવી હતી.
અત્યાર સુધી મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પૂર્વે ખાસ કરીને ભાજપમાં યોજાતી સેન્સ પ્રક્રિયા દરમ્યાન જે તે બેઠક માટે દાવેદારોના નામ મેળવવામાં આવતાં હોય છે, પરંતુ આ વખતેની સેન્સ પ્રક્રિયા કંઇક અનોખી હોય એવું પૂર્ણ થયેલ પ્રક્રિયા બાદ જાણવા મળ્યું છે કે, કારણ કે દાવેદારોના નામને લઇને હજુ સુધી કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
જિલ્લા ભાજપના વર્તુળો એવું કહી રહ્યા છે કે, નિરીક્ષકો દ્વારા શહેર અને જિલ્લાના નિશ્ર્ચિત હોદેદારોને, વરિષ્ઠ નેતાઓને, આગેવાનોને, કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતાં, દરેકને તેઓ વ્યકિતગત રીતે મળતા હતાં અને કોણે શું કહ્યું એ બધી બાબતો નિરીક્ષકો લઇને રાત્રે રવાના થઇ ગયા છે. કદાચ આ પ્રક્રિયા દરમ્યાન જામનગર લોકસભાની બેઠક માટે વર્તમાન સાંસદ પૂનમબેન માડમ સિવાય કોઇના નામની ઇચ્છા સેન્સ દરમ્યાન દર્શાવવામાં આવી છે કે કેમ ? એ બાબત સ્પષ્ટ થઇ શકી નથી.
પહેલા તો તાબડતોબ સેન્સના આદેશ છુટયા આ પછી ગુપચુપ રીતે જાણે પ્રક્રિયા કરવાની હોય એ રીતે નિરીક્ષકો આવ્યા અને ફટાફટ બધાન મત-મંતવ્યો લઇને જયારે આ રસાલો રવાના થઇ ગયો છે ત્યારે સ્વભાવિક રીતે જામનગરમાં એ બાબતની ઉત્તેજના જાગી છે કે, પૂર્ણ થયેલી આ અનોખી સેન્સની પ્રક્રિયા બાદ કોઇ દાવેદારોના નામ સામે આવ્યા છે કે નહીં ?
આમ તો ભાજપમાં સેન્સની પ્રક્રિયા એ માત્રને માત્ર એક ફોર્માલીટી જેવી બની ગઇ છે એવું અગાઉ પણ અમે જણાવી ચૂકયા છીએ, કારણ કે ભાજપ ચૂંટણી માટે કઇ બેઠક પર કયાં ચહેરાને મેદાનમાં ઉતારવા એ લગભગ નકકી કરી જ લેતો હોય છે, આમ છતાં ઝડપથી જયારે આ પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે હવે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે, કદાચ આગળની પ્રક્રિયા પણ ઝડપથી થશે.
***
મારી પાસે એક પણ દાવેદારનું નામ આવ્યું નથી-રમેશ મુંગરા
લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભાજપ દ્વારા ગઇકાલે ફટાફટ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, સામાન્ય રીતે સેન્સ બાદ જે તે બેઠક પર દાવેદારના નામ સામે આવતા હોય છે ત્યારે આ સંબંધે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સાથે આજે આજકાલ દ્વારા વાતચીત કરવામાં આવતાં એમણે કહ્યું હતું કે, કાલે જે સેન્સની પ્રક્રિયા થઇ તેમાં નિરીક્ષકોએ નકકી કરેલા લોકોને સાંભળ્યા જરુર હતાં આ પછી મારી પાસે એક પણ દાવેદારનું નામ સતાવાર રીતે આવ્યું નથી. કાર્યકરોએ કોઇ નામ આપ્યા હોય તો મને તેની ખબર નથી.
સામાન્ય રીતે જાણે પણ ચૂંટણી સંબંધીત સેન્સ પ્રક્રિયા થતી હોય છે ત્યારે જિલ્લા પ્રમુખ પાસે દાવેદારોના નામ આવતા હોય છે અને એકથી વધુ લોકો ઇચ્છુક છે કે કેમ ? તેનો જવાબ મળતો હોય છે પરંતુ આ વખતેની સેન્સ પ્રક્રિયા બાદ દાવેદારોને લઇને પણ નાળીયેર ભર્યુ જ રહ્યું છે, કારણ કે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખે એક પણ દાવેદારી આવી નહીં હોવાનું કહ્યું છે.
***
નિરીક્ષકોએ કોને-કોને સાંભળ્યા
કાલે ભાજપ દ્વારા સેન્સની જે પ્રક્રિયા હાથ ધરાઇ તેમાં કોને-કોને સાંભળ્યા એ સંબંધે જિલ્લા ભાજપના વર્તુળો સાથે વાત કરવામાં આવતાં એમણે કહ્યું હતું કે, પ્રદેશ તરફથી નિરીક્ષકોને કહેવામાં આવ્યા મુજબ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, શહેર-જિલ્લાના હોદેદારો, જિલ્લા પંચાયતના વર્તમાન સભ્યો, પૂર્વ સભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, શહેર-જિલ્લાની સંગઠન પાંખના આગેવાનો-કાર્યકરો, જિલ્લા પંચાયત અને શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે તે લોકસભા વિસ્તારના જુદા-જુદા મોરચાના પદાધિકારીઓ વગેરેને સાંભળવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMશાહરૂખ સાથે સ્ટેજ પર ડાન્સ કરતી વખતે રેખાની સ્ફૂર્તિ જોઈ ફેન્સ ઉત્સાહિત
April 22, 2025 11:56 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech